Saturday 23 March 2019

40 Lent Sessions

નાનકડી ડાયરી 
આપણી આજુબાજુ માં ઘણા લોકો હોય છે જેમના વિષે આપણે ઘણી વાતો સાંભળીએ છીએ. ઘણી વખત એ વાતો સાચી છે કે ખોટી એ જાણ્યા વગર આપણે તેમના માટે એક પૂર્વગ્રહ બાંધી લઈએ છીએ. જે ખોટો હોય છે. 99.9% આવી વાતો ક્યાં તો અફવા હોય છે ક્યાં તો અધૂરી. આજના યુગમાં સોસિયલમીડિયા માં આવતી ઘણી વાતો આપણા માંથી ઘણા તેની પુરી ચકાશણી  કાર્ય વગર ફેલાવે છે અને પોતે પણ ટેન્શનમાં આવી જાય છે, અને બીજા ને પણ ઘભરાવાનું કાર્ય કરતા હોય છે. કોઈ પણ વાત ની પુરી ખાતરી કર્યા વગર એને સાચી માની લેવું એ એક ભૂલ છે.
આવો આજે આવી જ એક વાત કરીયે. અમેરિકાના એક ચૂર્ચમાં અંતિમવિધિ કરવા માટેની ટીમના એક મેનેજર દાદા હતા. આ દાદા પાસે એક નાની કાળી ડાયરી હંમેશા રહે. એ ડાયરીને એ જીવની જેમ સાચવે. જોડે ને જોડે રાખે. એ ચર્ચમાં એક નવા પાળક આવ્યા. તેમને પણ આ ડાયરી માટે ઉત્સુકતા થઇ. પાળક ઓફિસમાં તો આ ડાયરી માટે જાતજાતની વાતો સાંભળવા મળી. કોઈ એ કીધું એમાં તો આ દાદાની ગિર્લફ્રેન્ડસ ના નામ છે, કેટલાકે કીધું આ દાદા જુગાર રામે છે એના આંકડા છે. કેટલાકે કીધું કે એ ઘોડા રેસ માં પૈસા લગાવે છે એની માહિતી છે. પાળક સાહેબ ચિંતા માં કે મારી ઓફિસ માં કામ કરનાર એક માણસ એવો છે! પાળક સાહેબે ઉપર એની ફરિયાદ કરી. પરંતુ જવાબ આવ્યો કે અમને એમાં કઈ ખોટું લાગતું નથી. લોકો માં આ ભાઈ ખુબજ લોક પ્રિય છે તો એમને હટાવી ના શકાય.
ઈશ્વરનું કરવું ને એક રાત્રે દાદા ને હાર્ટ એટેક આવ્યો ને તે મૃત્યુ પામ્યા. એમની અંતિમવિધિ આ પાળક સાહેબે કરવાની આવી. વિધિ શરૂ થઇ. અને દાદાના પત્ની પોતાના પતિ વિષે બોલવા ઉભા થયા.પાળક સાહેબની નજર આ દાદી પર પડી. દાદીના હાથમાં એજ નાની ડાયરી હતી.પાળક સાહેબ ચિંતામાં પડી ગયા કે હમણાં આ દાદી કૈક એવું બોલશે કે દાદાની અંતિમવિધિ માં મુશ્કેલી ઉભી થશે. દાદી એ પુલપીટ પર ચડી ને કહ્યું કે આજે તમને મારા પતિ ના ચરિત્ર વિષે કહું છું. પાળક સાહેબ ઉભા થઈને દાદી ની બાજુ માં આવી ગયા કે કયાંક દાદી કંઈક કહે તો તરત  રોકી લેવાય. દાદી એ બોલવાનું ચાલુ કર્યું એમને ડાયરી ખોલી. એમાં થી વાંચવાનું શરૂ કર્યું.એપ્રિલ 17 1970- મેરી ફ્લોરેન્સ તેણી હવે એકલા છે. ઓગસ્ટ 8 1970- ફેડ્રિક ગૅલ તેવો હવે એકલા છે. નવેમ્બર 4 1970-ફ્રેડા સેમ્યુઅલ તેણી હવે એકલા છે. આમ મારા પતિ એ એમની દરેક અંતિમવિધિ સમયે આ જનાર વ્યક્તિ ની પાછળ એકલી પડી ગયેલા લોકો ના નામ આ ડાયરીમાં લખ્યા છે. દરેક નાતાલે મારા પતિ આ બધા લોકોને જાતે ફોન કરી ને અમારા ત્યાં નાતાલ કરવા નું આમંત્રણ આપતા. આ લોકો જીવે ત્યાં સુધી તેમના ઘરે અમે સાથે જઈ ને સંગત કરતા જેથી આવા લોકો જીવન માં એકલા ના પડી જાય.  મારા પતિ જીવ્યા જ આવા લોકો ની સેવામાં છે.
પાળક અને ચર્ચ માં હાજર બધાની આંખો માં આસું હતા. આ એ લોકો હતા જેમને આજ ડાયરીને કારણે દાદાને વિષે જેમ ફાવે તેમ માન્યતા બાંધી લીધી હતી. આવી ખોટી વાતો, આવા ખોટા લોકો શેતાન નું જ કાર્ય કરે છે. એમના આવા જૂઠાણાં થી કેટલાય  લોકો બદનામ થાય છે. જેમના કાર્ય અને આશય બંને શુદ્ધ હોય છે. આવો આપણે પ્રાર્થના કરીયે કે પ્રભુ આપણને આવા જુઠા શેતાનો થી બચાવે અને સાચા ખોટા પારખવાની શક્તિ આપે. બાઇબલ માં નીતિવચનો 18:20-21 માં કીધું છે કે "યકિત જેવું બોલે છે તેવાં ફળ તે ભોગવે છે; પોતાની વાણીનો બદલો તેને ચોક્કસ મળશે. જન્મમૃત્યુ જીભના સાર્મથ્યમાં છે; અને જીભ તેને જે પ્રેમ પૂર્વક વાપરે છે, તેઓ તે પ્રમાણે બદલો મેળવે છે.". વળી એફેસીઓને પત્ર 4:29 માં કહ્યું જ છે કે ,"જ્યારે તમે બોલો, ત્યારે કટુવચન ના બોલો, એવું બોલો કે જેની લોકોને જરૂર છે, જે લોકોને શક્તિશાળી બનાવવામાં મદદરૂપ નીવડે. આમ કરવાથી તમારું સાંભળનારને તમે મદદરૂપ થઈ શકશો." આવો આપણે આપણા શબ્દ અને વિચારોને શુદ્ધ કરીયે. આપણી જીભને ઈશ્વરના મહિમા હેતુ વાપરીએ નહીકે બુરાઈ હેતુ. આપણે આપણી જાતને મુલવ્યા વગર બીજા ને મૂલવવા હંમેશા તૈયાર હોઈ છીએ. કરિંથીઓને પત્ર 1 માં 11:31 માં કહેવાયું છે કે "પરંતુ જો આપણે આપણી જાતને મૂલવીએ, તો દેવ આપણો ન્યાય કરશે નહિ."
વધુ દાદાને ખબરજ હતી કે લોકો તેમના માટે શું શું કહે છે? પરંતુ તેમણે કયારે પણ એનો જવાબ આપવાની કે એમની બીકે કામ છોડી દેવાની વાત ના કરી. પરંતુ તેવો એમના કાર્યને વળગી રહ્યાં. જેમ એફસીઓને પત્રમાં4:11માં  કહેવાયું છે તેમ " અને તે જ ખ્રિસ્તે જુદી વ્યક્તિઓને ભિન્ન ભિન્ન દાન આપ્યાં. તેણે કેટલીએક વ્યક્તિઓને પ્રેરિતો અને કેટલાએકને પ્રબોધકો, કેટલાએક લોકોને જઈને સુવાર્તા કહેવાનું કામ સોંપ્યું, જ્યારે કેટલાએકનું કામ સંતોની સંભાળ રાખવાનું અને તેઓને ઉપદેશ આપવો તે હતું." આપણે આપણેને સોપાએલા કાર્યને પૂર્ણ કરીયે.

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images
Google Images