Wednesday, 3 April 2019

40 Lent Sessions

અદભુત એક્સિડન્ટ 
ઈશ્વર દરેકના જીવનમાં બદલાણ લાવે જ છે. આ બદલાણ લેવાની તેની રીત પણ દુનિયા કે સમાજ કરતા કયાંક જુદી જ હોય છે. એની રીત પેહલી નજરમાં તો એમજ લાગે કે આમ થાય તો લોકો ઈશ્વરથી દૂર થઈ જાય. પરંતુ પાસે થી જોતા સમજાય કે આવી વ્યક્તિતો ઈશ્વરનો અદભુત સેવક કે સેવિકા બની ચુકી છે.બાઇબલમાં કીધું છે કે "હા, હું એ જ છું, હું એકલો જ મારા પોતાના નામની માટે તમારાં સર્વ પાપ ભૂંસી નાખું છું અને ફરીથી કદી હું તેનું સ્મરણ કરતો નથી. (યશાયા 43:25)"
અમારા ગામમાં એક વાળંદ હતો. આ ભાઈને જોઈને કોઈ પણ ડરી જાય. એનું મોટું કપાળમાં ટાકા હતા જેના કારણે તેનો મુખ વિચિત્ર લાગતું હતું, એના ઘૂંટણથી થોડી નીચેના પગ નહતા. એ ત્યાં મોટા કળા જૂતા પહેરતો હતો. એટલે તેના શરીર કરતા પગ ખુબ નાના હતા. એનો આ દેખાવ એક ભયાનક એક્સિડન્ટ ને કારણે થયો હતો. પરંતુ એક વાત હતી તેના મુખ પર ખુબ જ શાંતિ અને ચમક હતી. આમ જોવા જાવ તો પેહલી નજરમાં મોટા એના થી ડરી જાય એવું હતું પરંતુ એ બાળકોમાં ખુબ પ્રશીધ્ધ હતો. કોઈ પણ બાળક પેહલી વાર તો એને જોઈ ને ડરી ને રાડારાડ કરતું, પણ પછી એનું મિત્ર જ બની જતું. એ બાળકો ને મિત્ર, સાથી અને શિક્ષક બની જતો. એક વાત નું હમેશા આષ્ચર્ય થતું એ એનો ઈશ્વર પરનો વિશ્વાસ. એની હાલત બતાવી આપતી હતી કે તેનો અકસીડેન્ટ ખુબ ભયંકર હશે. અને આવા અકસીડેન્ટ પછી લોકો નો વિશ્વાસ ઈશ્વર પરથી ઉતરી જતો હોય છે. પરંતુ આ માણસનો વિશ્વાસ વધુ ને વધુ દ્રડ બનતો જતો હતો. તે બાળકોને પણ ઈશ્વરનું શિક્ષણ આપતો હતો.આ ભાઈ ની વાત કંઈક આમ હતી.
કેટલાક વર્ષો પેહલા આ ભાઈ બહુ મોટા નશાખોર, જુગારી અને ડ્રગ એડિક્ટ હતા. એક રાત્રે નશામાં ચૂર
થઈને રસ્તા પર ભટકતા હતા ત્યારે એક મોટા ખતરાની નીચે આવી ગયા હતા. ખુબ પીડા પછી અંધારું છવાઈ ગયું હતું. એક અઠવાડિયા પછી જયારે તે ભાન માં આવ્યા ત્યારે તેવો મિશન હોસ્પિટલ માં હતા. તેમના ઘૂંટણ નીચે ના પગ કપાઈ ચુક્યા હતા. અને તેમનો ચહેરો બગડી ચુક્યો હતો. તેવો ઈશ્વર પર ખુબ ગુસ્સે થયા. ગાળો બોલી. પણ પછી તેમને એપણ ભાન થયું કે તેમની સાથે કોઈ નહતું. ના કોઈ કુટુંબનું કોઈ, ના મિત્રો, ના તો કોઈ સગા. તેવો સાવ એકલા હતા. હતું જો તેમની સાથે તો તેમના ખટલાની બાજુના ટેબલ પર પડેલું બાઇબલ. પેહલા તો ગુસ્સાથી કેટલાય દિવસો તેને તાકી રહ્યા. પરંતુ તેમની પાસે કોઈ કામ નહતું, ના કોઈ વાત કરનાર. હતો તો બસ સમય જ સમય. હવે ક્યાંય તેમને દોડવાનું નહતું. બસ સજા થવા ની રાહ જોવાની હતી. એટલે કંટાળીને સમય પસાર કરવા ખાતર તેમણે બાઇબલ હાથમાં લીધું. એમણે કમને બાઇબલ ખોલ્યું તો સામે અયુબનું પુસ્તક આવ્યું. તે તેને ધ્યાન થી વાંચતા ગયા.તેમને એ સમજાયું કે અરે આ લોકો એ જે દુઃખ સહન કર્યું છે એની સરખામણી માં મને તો કોઈ તકલીફ નથી. તો પણ તેવો ઈશ્વરને વળગી રહ્યા છે. અને હું તો પાપી છું, મેં તો પાપ કર્યું છે. મને તો ઈશ્વર જીવિત રાખ્યો છે એજ ચમત્કાર છે. છતાં હું તેમનો નિરાદાર કરું છું. પછી તો તેમને બાઇબલ ને ખુબ શાંતિથી અને ધ્યાન થી વાંચ્યું. હોસ્પિટલ વાળા પાસેથી બાઇબલની રેફરન્સ ની ચોપડીઓ માંગી ને તેનો અધ્યન કર્યો. જેમજેમ તેવો વંચાતા ગયા તેમ તેમ તેવો માં શાંતિ અને શક્તિનો સંચાર થયો. તેવો ના મુખ પર શાંતિ છવાવા લાગી. હવે તે આ અકસીડન્ટને આશીર્વાદ માનવ લાગ્યા, કે જેના લીધે તેમની જૂનું પાપ વાળું જીવન છૂટી ને નવું ઈશ્વરના સેવક તરીકેનું જીવન મળ્યું. તેમણે માંગ્યું કે "હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો, અને મારા આત્માને મજબૂત કરો! (ગીતશાસ્ત્ર 51:10)". તેમ દેવ કહે છે, “હું તમને નવું હૃદય આપીશ, અને તમારામાં હું નવો આત્મા મૂકીશ. હું તમારું પથ્થર સમાન પાપી હૃદય દૂર કરીશ અને તમને નવું પ્રેમાળ હૃદય આપીશ. (યર્મિયાનો વિલાપ 36:26)."
તમે ક્યારેક ઘૂંટણ થી થોડું ચાલી જોજો. તમારા આખા શરીરમાં દુઃખ નો અનુભવ થવા લાગશે. આ ભાઈ નું ઘર એમની દુકાન થી અડધો કિલો મીટરના અંતરે હતું. તેવો સાંજે દુકાન બંધકરી ને ચાલતા ચાલતા ઘરે જવાનું પસંદ કરતા. કરણકે રસ્તામાંથી અમારા ગામ પસે નો ડુંગર દેખાતો. તેવો આ ડુંગર ને જોતા ઉભા રેહ્તા. તેવો માનતા કે ઈશ્વર બધે જ છે.પરંતુ ઈશ્વર ને પહાડ ને ડુંગર વધુ ગમે છે. કારણકે તેમણે મુસા સાથે પહાડ પરથી વાત કરી હતી. તેમણે આજ્ઞાઓ લખીને પહાડ પર બોલાવીને મૂસાને આપી હતી. નોહા ને પણ પહાડ પરથી જ વાત કરી. ઈસુને પણ કલવારી ની ટેકરી પર વધસ્થંભ આપ્યો. ઈસુને પહાડ પરથી જ સ્વર્ગમાં લઇ લીધા. તેથી આ ભાઈ ને પણ પહાડ ખુબ ગમતા.
જોયુ મિત્રો! એક રાહ ભટકેલા માણસ ના જીવનમાં ઈશ્વરે ત્યારે કાર્ય કર્યું જયારે તો સૌ એકલો હતો, અશક્ય હતો. અને આ માણસે ઈશ્વરનો સ્વીકાર કરતા જ તેની એકલતા, તેની શેતાની આદતો, તથા તેની અપાહીજતા બધું જ ઈશ્વરે લઇ ને નવી હિંમત, નવું જીવન અને ખુબ મોટું કુટુંબ અને મિત્ર આપ્યા. બાઇબલ માં કહેલું છેકે "આપણે જાણીએ છીએ કે જે લોકો દેવને ચાહે છે તેમના બધાજ કાર્યોમાં દેવ તેઓના ભલા માટે કામ કરે છે. તે લોકો દેવની ખાસ પસંદગી પામેલા છે, કેમ કે દેવની એવી યોજના હતી. (રોમનોને પત્ર 8:28)". આવો આપણે પણ ઈશ્વર પાસે આપણા પાપ કાબુલી ને માફી માંગી ને નવું  જીવન મેળવીયે.

Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

Tuesday, 2 April 2019

40 Lent Sessions

નાતાલની ભેટ 
બાળકોની જીવન ને જોવાની રીત આપણને ઘણું બધું શીખવાડી જાય છે. તેવો દરેક બાબતને ખુબ હકારાત્મ રીતે લેતા હોય છે. જે આપણે એમની પાસેથી શીખવા જેવું છે. તમે જોજો જે બાળકો આજે ઝગડે છે તે બે દિવસમાં પાછા ભેગા પણ થઇ જાય છે. ગરીબ ના બાળકો ધૂળમાં પણ ખુબ ખુશ હોય છે.આ બાબત આપણને ઘણી વખત આશ્ચ્રર્ય માં નાખી દે છે.
આજે આપણે એવી જ એક દીકરી ની વાત કરી. એ દીકરી જે આપણને જીવનનું સૌથી મોટી શીખ આપે છે. આ દીકરી એના 10 ભાઈ બહેનો અને માતા પિતા સાથે ગામડામાં રહે. પિતા પાસે નાનો જમીનનો ટુકડો જેમાં તે કપાસ નું વાવેતર કરે. પરંતુ આ ખેતીમાં તેવો કુટુંબની જરૂરિયાતો પુરી કરવામાં અસમર્થ હતા. આથી માતા પણ નજીકની કપાસ જીન માં મજૂરી કરે. માતા બચેલા કપાસ માંથી વણાટ કામ કરી ને પોતાના બાળકો માટે કપડાં તૈયાર કરે. અને તે પોતે જ તેમની જરૂરિયાત મુજબ સીવે. બાળકો હંમેશા બરછટ કોટનના કપડાં જ પહેરે.
એક નાતાલ પર સૌથી નાની દીકરી ને તેના મામાએ પોલિયેસ્ટર નું કાપડ ભેટ આપ્યું. માતાએ એ કાપડમાંથી એ દીકરી માટે સુંદર ફ્રોક બનાવ્યું. દીકરી ખુબ જ ખુશ હતી. તે નાતાલની રજાઓ પછી સ્કુલે જવા માટે આ ફ્રોક પહેરી ને બસમાં બેઠી. દીકરી ખુબ ખુશ થઇ ને બસમાં પણ બધાને એ ફ્રોક બતાવ લાગી. પોતે પાછળ ની સીટમાં જઈ ને ફ્રોક ફેલાવી ને બેસી ગઈ. પણ તેની આ ખુશી લાંબી ના ટકી. બીજા જ બસ સ્ટોપ પરથી એક છોકરો બસ માં ચડ્યો. જેણે એજ કાપડનું બુશર્ટ પહેર્યું હતું. તેને જોઈને બધા બાળકો હસવા લાગ્યા. ઘણાએ ટીપણી પણ કરી કે જ પાછલી સીટમાં તારા માટે જ કોઈ રાહ જુવે છે. અને બધા જ બસ ના પેસેન્જર આ બન્ને પર ટીખળ કરવા લાગ્યા. છોકરો પણ શરમથી પાણી પાણી થઇ ગયો ને ચુપચાપ આ દીકરી ની બાજુમાં આવી ને બેસી ગયો. બન્ને ની આંખમાં આશુ  હતા. પરંતુ બંને નું પોતાનું દુઃખ એકજ હતું, અને તે ગરીબી. આ વાતને બંને સારી રીતે સમજતા હતા. 
સ્કૂલની રિસેસમાં આ દીકરીનું મન જરાય જમવામાં નહતું. તે એક ઝાડ નીચે જઈને બેઠી. પેહલા તો બહુ  ગુસ્સો આવ્યો. પરંતુ ત્યાંજ તેને સંદેશસ્કૂલના શિક્ષકની વાત યાદ આવી કે તમારા આશીર્વાદો ગણો, અભાવો નહિ. તેમણે શીખવ્યું હ
તું કે "દરેક સમયે દેવની આભારસ્તુતિ કરો કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે. (1 થેસ્સલોનિકીઓને 5:18)" અને "હમેશા આપણા દેવ પિતા પ્રત્યે આભારી થાઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે તેનો દરેક વસ્તુ માટે આભાર પ્રદર્શિત કરો. (એફેસીઓને પત્ર 5:20)". તેણે વિચાર્યું કે ઈશ્વરે મને કેટલી પ્રેમાળ માઁ આપી છે. જે આમરામાટે કેટલી મહેનત કરે છે. તે અમારા માટે સારું ભોજન તૈયાર કરે છે, તે મજૂરી કરે છે છતાં સમય બચાવી ને કાંતે છે, વણે છે, સીવી ને આમારા માટે કપડાં પણ બનાવે છે. પિતા જે આખો દિવસ ખેતરમાં મજૂરી કરે છે, અને સાંજે અમને સારી સારી વાતો કરે છે. કેટલા વ્હલા ભાઈ બહેનો આપ્યા કે જેવો એ પોતે આ કપડું ના રાખી ને મને આપી દીધું.  આ દીકરી નું મન આંનદ થી ભરાઈ ગયું. તેણે ઈશ્વરનો આભાર માન્યો. નક્કી કર્યું કે ઘરે જઈ ને માઁ ને કહીશ કે બધા મારુ ફ્રોક જોઈને કેવા ખુશ થઇ ગયા હતા, કેટલા વખાણ કરતા હતા. હું તેમને આ વાત ક્યારેય નહીં કહું. હું તેમને દુઃખી નહીં કરું પરંતુ હું તેમનો આભાર માનીશ.
જોયું મિત્રો આ દુઃખ અને અભાવ વચ્ચે પણ આ દીકરી ઈશ્વરનો આભાર મને છે, માતાપિતાનો આભાર મને છે. આનંદ અનુભવે છે. આ દીકરી મોટી થઇ ને ખુબ સારી નોકરીમાં જોડાઈ.  આ પછી તો તેને હર નાતાલે ઘણી કિંમતી ભેટો મળી. પણ આ ફ્રોક એ ક્યારેય ના ભૂલી. એ ફ્રોક એણે પૂરું જીવન સાચવી રાખી. જયારે દુઃખી થાય કે હિંમત હારી જતી હોય એવું લાગે ત્યારે તે ફ્રોક ને જોઈ લેતી હતી. એ ફ્રોક તેને હંમેશા ઈશ્વરના આશીર્વાદો યાદ કરાવતું હતું. બાઇબલમાં કીધું છે કે "દરેક ઉત્તમ વસ્તુ દેવ પાસેથી જ આવે છે અને બધીજ પરિપૂર્ણ ભેટો પ્રભુ તરફથી આવે છે. સર્વ પ્રકાશોના પિતા પાસેથી આ બધીજ શુભ વસ્તુઓ (સૂરજ, ચંદ્ધ, તારા) આવે છે. દેવ કદી બદલાતો નથી. તે સદાય એ જ રહે છે. (યાકૂબનો 1:17)". આવો આપણે પણ આપણા આશીર્વાદો ગણિયે.

Purvi Hope


Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

Monday, 1 April 2019

40 Lent Sessions

આત્મિક બળ 
જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિ નો સામનો દરેકે કરવો જ પડે છે. પછી એ શારીરિક, માનસિક, આર્થિક કે સામાજિક કઈ પણ હોઈ શકે છે. પરંતુ માણસની સાચી ઓળખ આવી પરિસ્થિતિ માં ઈશ્વર પર વિશ્વાસ રાખી ને પોતાની હિંમત ભેગી કરી ને સંઘર્ષ કરે તેમાં જ રહેલી છે. આમ કરનારને સફળતા મળે જ છે. બસ જરૂરત છે આત્માનો આવાજ સાંભળીને ઈશ્વર પર ભરોષો રાખવાની. જેમ યશાયા ના પુસ્તક માં કહ્યું છે કે "પરંતુ યહોવા પર વિશ્વાસ રાખનારાઓને નવું બળ મળી રહે છે. તેઓ ગરૂડના જેવી પાંખો ઉપર ઊડે છે; તેઓ દોડે છે પણ થાકતા નથી, તેઓ આગળ ને આગળ ધપતા રહે છે, કદી હારતા નથી કે નથી નિર્ગત થતા. (યશાયા 40:31)".

એક ભાઈ જે સુંદર ગીત લખતા હતા. તેમના ગીતો ખુબ સુંદર અને અર્થ પૂર્ણ હતા. સફળતા એમની હાથ માંજ હતી, અને ડાયાબિટીસ ના કારણે તેમની દ્રષ્ટિ ઓછી થવા લાગી. હજુ કઈ એ સમજે એ પહેલા તો એમની બંને આંખો ની રોશની જતી રહી. તેવો ખુબ નિરાશ થઇ ગયા. તેમના જીવનમાંથી વિશ્વાસ ખોઈ દીધો. એ ડિપ્રેશનમાં જતા રહ્યા. એ વાતે વાતે પોતાની દયા ખાવા લાગ્યા કે "અરેરે હું તો અંધ હવે મારા થી કઈ ના થાય".પોતાને એક રૂમમાં પુરી દીધા. એક દિવસ તેમના એક મિત્ર નો ફોન આવ્યો. મિત્રે આ ભાઈને વાત વાત માં કીધું કે"જો તો તારા ઘરનો કચરાનો ડબ્બો ભરેલો છે?", આ ભાઈએ પેહલા તો આનાકાના કરી કે "હું તો અંધ છું. મને કેમ ખબર પડે? વળી ઘરમાં કોઈ છે પણ નહિ":. પરંતુ મિત્રએ જીદ કરી તેથી હારી ને એ ભાઈ એ કચરાનો ડબ્બો ચેક કર્યો. ડબ્બો ભરેલો હતો. મિત્રએ કહ્યું "હા તો હવે એને કચરાપેટી માં ઠાલવી આવ". ભાઈ ખુબ ગુસ્સે થયા કહે "હું અંધ છું એની તું મજાક ઉડાવે છે". અને ફોન કટ કરી દીધો. પછી પોતાના પર એમને શરમ આવી ને હિંમત કરી ને સોસાયટીના દરવાજા પાસેની કચરાપેટીમાં કચરો નાખવા ઘરની બહાર નીકળ્યા. ધીમે ધીમે ચાલતા શીખતાં બાળકની જેમ ચાલી ને તેવોએ આ કામ પૂરું કર્યું. આમ કરવાથી તેમને હિંમત આવી. તેવો રોજ બ્રેલ લિપિ ના ક્લાસમાં લાકડી લઈને જવા લાગ્યા. પરંતુ એક દિવસ પાછા  ફરતા  એક જગ્યાએ તેમને લેવા આવનાર મિત્રની રાહ જોતા હતા. ત્યાં એક સાયકલ ની ટક્કર વાગતા તેમની લાકડી તૂટી ગઈ. તેવો નીસહાય થઇ ને ઉભા રહ્યા. ત્યારે તેની અંદરથી એક અવાજ આવ્યો કે "ઉભો ના રહે ચાલ, હું તારી સાથે છું." કોઈ અદ્રશ્ય તાકત એમને દોરતી હોય તેમ તેવો ચાલવા લાગ્યા. એમને લેવા આવેલા મિત્રને પણ તેમણે ના પાડી, અને કોઈ સહારા વગર જ તેવો રસ્તો પણ ક્રોસ કરી ગયા. પાછળથી પેલા મિત્રએ કહ્યું કે તું એટલા વિશ્વાસ થી ચાલતો હતો કે તને જોઈ ને હું ભૂલી ગયો કે તું અંધ છું.
ત્યારબાદ આ ભાઈ કયારેય પોતાની દયા ના ખાધી કે ના પાછા પડ્યા. તેવો ફરી ગીતો લખવા લાગ્યા. તે પછી તો જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા. તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન નાકામયાબ થયું. તેમના પગ પણ ડાયાબિટીસ ના કારણે જતા રહ્યા. ફરી કિડની નું ઓપરેશન કરવું પડ્યું. પરંતુ આ બધા દુઃખો વચ્ચે પણ તેવો ચાલતા રહ્યા. હવે તે બધી પરિસ્થિતિમાં ઈશ્વર પર નો વિશ્વાસ ઓછો ના થવા દેતા. તેવો ખુશ રહેતા. તેવો સમજી ગયા હતા કે તેમનું શારીરિક શરીર કરતા તેમનું આત્મિક શરીર ખુબ મજબૂત છે. ઈશ્વર હંમેશા તેમની સાથે જ છે, આજ વિશ્વાસે  તેમને નવું જીવન આપ્યું. તેમના ગીત વખાણવા લાગ્યા. બાઇબલ માં પણ કીધું જ છે કે ગમેતેવી પરિસ્થિતિ માં તમે ઈશ્વર પર વિશ્વાસ ના ચુકતા, "ખ્રિસ્તને કારણે આ બધું હું કરી શકું છું, કારણ કે તે મને આમ કરવાનું સાર્મથ્ય આપે છે. (ફિલિપ્પીઓને પત્ર 4:13)". "પરંતુ પ્રભુએ મને કહ્યું કે, “મારી કૃપા તારે માટે પૂરતી છે. જ્યારે તું નિર્બળ બને છે, ત્યારે મારું સાર્મથ્ય તારી નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” તેથી મારી નબળાઈઓ વિષે બડાશ મારતા હું ઘણો પ્રસન્ન છું. પછી ખ્રિસ્તની શક્તિ મારામાં જીવશે. (2 કરિંથીઓને 12:9)"
Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

Sunday, 31 March 2019

40 Lent Sessions

માતાનું સપનું 

આપણા જીવનમાં આપણા માતાપિતા ના ઘણા સપના હોય છે. આ સપના ક્યારેક મોટા હોય છે, ક્યારેક નાના. ઘણા માબાપ પોતાના સપના પોતાના બાળકો પર થોપતા હોય છે, તો કેટલાક પોતાના બાળકના બધા સપના પુરા કરવા મથતા હોય છે,કેટલાક પોતાના સપના ધરોહર ની જેમ પોતાના બાળકને આપતા હોય છે. પોતાના સપના બાળક પુરા કરે ને બાળકના સપના પોતે પુરા કરે બંનેમાં ઘણો ફર્ક હોય છે.તેવી જ રીતે બાળક પર પોતાના સપના થોપાવ અને બાળકને પોતાના સપના આપવા બંને માં પણ ઘણોજ ફર્ક હોય છે. કેટલીક વાર બાળક પોતાના માતાપિતાને જોઈને શીખે છે. અજાણતાંજ તેમના સપના બાળકના સપના બની જાય છે. 
આપણું બાળક જન્મે ત્યારે પેહલીવાર એ જયારે નજર કરે ત્યારે, એ આપણી આંગળી પકડે ત્યારે, એ ઊંધું પડે ત્યારે, એ ભેખડિયા ભરે ત્યારે, એ પહેલું ડગલું ભરે ત્યારે આપણે ખુશ ખુશ થઇ એ છીએ. માતાપિતા પોતાના બાળકના પેહલા ડગલાં હંમેશા યાદ રાખે છે. એ ચાલતું થાય ત્યારે એની આંગળી પકડી ને દુનિયાની રેસમાં મૂકી દઈએ છીએ તો તેની આંગળી પકડીને થોડું ઈશ્વર પાસે લેવાનું કાર્ય પણ કરીયે તો કેવું સારું બાઇબલમાં કીધું છે કે "બાળકને યથાર્થ માર્ગ વિષે શિક્ષણ આપો તો એ જ્યારે વૃદ્ધ થશે ત્યારે પણ તે માર્ગ તે છોડશે નહિ. (નીતિવચનો 22:6)".
અમેરિકામાં 1990 અસપાસના સિંગર છે એમી ગ્રાન્ટ જેવો ઈશ્વર સ્તુતિના ગીતો ગાય છે. અમેરિકાના એક ગામમાં માતા પોતાની 5-6 વર્ષની દીકરી સાથે રહે. બહેન ને એમી ગ્રાન્ટ ના ગીતો બહુ ગમે. તેમના ઘરમાં આ જ ગીતો વાગે. માતા ને જોઈ ને બાળકીને પણ આજ ગીતો શીખી. એક વખત ગામમાં એમી નો શો હતો. પોતાની બાળકીને સૌથી આગળની જગ્યા મળે તે આશય થી આ માતા સવારના વેહલા શો ના સ્થળે પોહચી ગયાં. પરંતુ એમના પેહલા બીજા ઘણા લોકો આગળ જગ્યા લેવા આવી ગયા હતા. આટલી ભીડમાં પોતાની નાની બાળકી ને નુકશાન થવાના ડરથી તેવો મેદાનની બાજુના ઘરના ધાબા પરથી આ શો જોયો. માતા એ દીકરીને દિલાસો આપતા જણાવ્યું બીજી વાર આપણે જ આગલી હરોળ માં બેસીશુ. દીકરી નિરાશ થઇ ગઈ. માતા પણ દુઃખી થઇ ગઈ કે પોતે પોતાની દીકરીનું સપનું પૂરું ના કરી શકી. 
દિવસો જવા લાગ્યા ને વર્ષો જવા લાગ્યા. દીકરી મોટી થઇ ગઈ. દીકરી ભણીને એક ટીવી કમ્પનીમાં પરિચારિકા બની ગઈ. તેને એમી નો ઇન્ટરવ્યૂ લેવાનો મોકો મળ્યો. ત્યારે માતા ખુબ બીમાર હતા. પરંતુ આ સાંભળી ને તેવો ખુબ ખુશ થયા. માતાના મૃત્યુ બાદ એક વાર એમી ના લાઈવ પ્રોગ્રામમાં કામ કરવાનો દીકરીને મોકો મળ્યો. ત્યારે સ્ટેજની પાછળ કામ કરી રહેલી દીકરીની નાની 5 વર્ષની દીકરી પેહલી હરોળમાં બેઠી હતી. તે સમયે તેને અનુભવ થયો કે પોતાની માઁ પણ ત્યાંજ છે. દીકરીની આંખમાં આશુ આવી ગયા.
આપણે જયારે બાળક પર પોતાના સપના થોપવાની જગ્યા એ આપણા સપના આપીયે છીએ ત્યારે એ સપના પેઢીઓ સુધી ધરોહર બની ને સચવાય છે. ઈશ્વરની સ્તુતિનું સપનું માતાએ દીકરી ને આપ્યું, દીકરી એ તેની દીકરીને આપ્યું. આપણે આપણા બાળકોને ભૌતિક દોડમાં દોડવાનું શીખવાડીએ છીએ પરંતુ તેમને આધ્યાત્મિક શિક્ષણ પણ એટલું જ જરૂરી છે તે ભૂલી જઇયે છીએ. કહેવામાં આવ્યું છે કે "પિતાઓ, તમારા બાળકો સાથે એવી રીતે ના વર્તો કે તેઓ ગુસ્સે થાય, તેને બદલે તેઓને સારી તાલીમ અને પ્રભુના શિક્ષણથી ઉછેરો. (એફેસીઓને પત્ર 6:4)". આગળ જતા બાળક તણાવ અને ડિપ્રેશન માં આવી જાય છે. પરંતુ આપણે તેને યોગ્ય આધ્યત્મિક શિક્ષણ આપ્યું હોય તો તે આમાંથી બહાર નીકળી શકે છે. કેમકે "અને તમાંરાં સંતાનોને તે શીખવો, તમે ઘરમાં હોય કે રસ્તે ચાલતા હોય સુતાં હોય કે જાગતાં હોય, તેનું રટણ કરતા રહો. (પુનર્નિયમ 6:7)". અને તે હંમેશા તારી સાથે રહેશે.
Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul

 Reference for Images

Saturday, 30 March 2019

40 Lent Sessions

આંગણાનું ઝાડ 
આજે આપણે જીવન જીવવા ની એક સુંદર રીતે વિશે જાણીશું. ઈશ્વરે આપણને આ પૃથ્વી પર જીવન આપ્યું છે. તેને આપણે ખૂબ આનંદથી જીવી શકીએ છીએ, અથવા આપણને જે પ્રાપ્ત થયું છે, છતાં પણ અસંતોષ અને તણાવ સાથે જ જીવીએ.આ આપણી  છે. આ વાત આપણે આ રીતે સમજીયે.
બે મિત્રો હતા,જેઓ એકજ ઑફિસમાં કામ કરતા હતા. બન્ને પોત પોતાના કુટુંબમાં સુખી હતા. બંને કામ પૂર્ણ કરી અને પોતાના કૌટુંબીક જીવન માં પરોવાઈ જતા હતા. ક્યારેક તેઓને ઓફિસમાં કામનું ભારણ રહેતું. ત્યારે એક મિત્ર તણાવમાં આવી જતો, જ્યારે બીજો મિત્ર હંમેશા તણાવમુક્ત જ જોવા મળતો, અને હંમેશા આનંદથી પોતાના ઘર તરફ પ્રયાણ કરતો. બીજા મિત્ર ના મુખ પરથી તેના જીવનના કોઈ પણ તણાવની ખબર પડતી ન હતી, જ્યારે એનાથી ઉલટુ પ્રથમ મિત્ર નાની-નાની વાતમાં પણ તણાવમાં આવી જતો.

આ મિત્ર ઘરે પોતાનો બધો કંટાળો પોતાના કુટુંબ પર ઉતારતો, કદી તેની પત્ની પર ગુસ્સો કરતો કદીક  કદી તેના બાળકો પર ગુસ્સો કરતો, ક્યારેક ભોજન પર પણ પોતાનો ગુસ્સો ઉતારતો. તે મિત્ર પોતે પણ તણાવમાં રહેતો, અને તેની સાથે રહેનાર સઘળાને તણાવ આપતો. ઘણી વખત તે પોતાના સ્વભાવથી કંટાળતો, તેના કુટુંબના સભ્યો પણ તેના આ વર્તનથી કંટાળો પામતા.

જ્યારે બીજો મિત્ર હંમેશા ખુશ રહેતો અને તેની આજુબાજુના લોકોને પણ ખુશ રાખવાનો પ્રયત્ન કરતો. તે જ્યારે ઓફિસથી ઘરે આવતો ત્યારે પોતાના ઘરમાં પ્રવેશતા પહેલા, તેના ઘરના આંગણામાં એક ઝાડ હતું, તેની એક આદત હતી, કે જ્યારે પણ કામ ઉપરથી ઘરમાં આવે ત્યારે તે ઝાડની ડાળીઓ ને પકડીને થોડીવાર ત્યાં ઉભા રહેતા, ત્યારબાદ ઘરમાં પ્રવેશતા.
 એક વખત એવું બન્યું કે બંને મિત્રો ઓફિસથી સીધા બીજા મિત્રના ઘરે ગયા, રોજની આદત પ્રમાણે બીજા મિત્રે ઝાડ ની ડાળીઓ ને પકડીને થોડીવાર ઊભા રહ્યા અને પછી ઘરમાં પ્રવેશ કર્યો. ઘરમાં પ્રવેશીને તેમણે તેમના બાળકોને બાથમાં લીધા, અને પત્નીનું પણ પ્રેમથી અભિવાદન કર્યું. આ સઘળી પ્રક્રિયા તો બીજો મિત્ર જોયા કરતો હતો. તેણે તરત જ પોતાના ઘરની અને મિત્ર ના ઘર ની તુલના કરી. મિત્રના ઘરનું વાતાવરણ ઘણો આનંદ પૂર્ણ હતું. જ્યારે બીજી તરફ તે અને તેના કુટુંબના લોકો હંમેશા તણાવમાં રહેતા. તે સમયે તેણે કશું કહ્યું નહીં , મિત્રના ઘરે કામ પતાવીને તે પોતાના ઘર તરફ ફર્યો.

બીજા દિવસે ઓફિસમાં જ્યારે તેને તેનો મિત્ર મળ્યો ત્યારે તેણે તેને ઝાડ ની ડાળીઓ પકડીને ઊભા રહેવાનું કારણ પૂછ્યું, તેના મિત્રોએ કહ્યું એ મારું તણાવ લઈ લેનારો ઝાડ છે, હું જ્યારે કામ પરથી ઘરે આવું ત્યારે તણાવમાં હું છું અને કામથી થાકેલો પણ હોવુંછુ, પણ એ બધાંથી મુક્ત થવા માટે મેં આ પ્રયોગ કર્યો છે. જ્યારે પણ ઘરમાં હું પ્રવેશો તે પહેલા હું આ ઝાડ પર મારો બધો તણાવ અને થાક મૂકીને આવું છું. ત્યારબાદ ઘરમાં પ્રવેશું છું. મારા કુટુંબના લોકો સાથે બહુ આનંદથી સમય પસાર કરું છું. જેથી કરીને હું પણ તણાવમુક્ત રહી શકું, અને મારા કુટુંબના લોકોને પણ તણાવ મુક્ત રાખી શકું.

આપણે પણ આપણો તણાવ  અને થાક ઘણી બધી વખત આપણા કુટુંબના લોકો પર ઉતારીએ છીએ. તેઓ ઓફિસમાં રહેલા તણાવ થી વાકેફ હોતા નથી, પણ આપણા વર્તનથી તેઓ કંટાળો અનુભવે છે. ધીરે ધીરે આપણે સાથે વાતચીતનો વ્યવહાર પણ ઓછો કરી દે છે. આજના સમયમાં તનાવ દરેક ના જીવન નો ભાગ છે. જે કામ થી બહાર જાય છે તેવો ને એમનો તણાવ અને જેવો ઘરે છે તેવો ને પોતાનો અલગ તણાવ હોય છે. પરંતુ બિબલે માં કીધું છે "તેમ જો તમે તમારા વિશ્વાસમાં મક્કમ રહેશો તો આ બધામાંથી તમારી જાતને બચાવી લેશો. (લૂક 21:19)". ઈશ્વર આપણને તેની શન્તિ આપે છે "હું તમને શાંતિ આપીને જાઉં છું. હું તમને આપું છું તે મારી પોતાની શાંતિ છે. જગત આપે છે તેના કરતાં જુદી રીતે હું તમને શાંતિ આપીશ. તેથી તમારા હૃદયોને વ્યાકુળ થવા દેશો નહિ. ડરશો નહિ. (યોહાન 14:27)". આ શાંતિ આપણે પ્રાથર્ના દ્વારા મેળવી શકીયે છીએ. ઈશ્વર કહે છે કે "“તમારામાંના જે થાકી ગયા છે અને ભારે બોજ વહન કરી રહ્યા છે તેઓ મારી પાસે આવો. અને હું તમને વિસામો આપીશ. (માથ્થી 11:28)". અને જેવો તેની પાસે આવે છે તેને અંતકાલીન શાંતિ નો અનુભવ થાય છે. હે યહોવા, મારા મન અને હૃદય ચિંતા અને પરેશાનીથી ભરાઇ ગયા હતાં. પરંતુ તમે મને દિલાસો આપ્યો અને મને સુખી બનાવ્યો. (ગીતશાસ્ત્ર 94:19). આવો આપણો  તણાવ ઈશ્વર ને સોંપિયે નહીં કે ગાપણા કુટુંબ કે આપણી આજુબાજુ ના લોકો પર કાઢી ને એમને દુઃખી કરી એ.


Olivia Martins

Editor
 Purvi Hope

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference Story
Chicken Soup for the Soul


Friday, 29 March 2019

40 Lent Sessions

ઈગો 
આજે આપણે વાત કરીએ અભિમાન જેને આપણે  ઈગો તરીકે પણ ઓળખીયે છે. આપણા બધા માં રહેલો સૌથી મોટો શેતાન. ઈશ્વરે કીધું છે કે આપણે આપણા હ્ર્દયો નર્મ બનાવીએ. પરંતુ આપણામાં રહેલો આ શેતાન આપણને આમ કરવા નથી દેતો. અભિમાન ના તો આપણે પાછા પ્રકાર પડેલા છે. માણસનું અભિમાન, સ્ત્રીનું અભિમાન, રાજાનું અભિમાન વગેરે. અભિમાન મોટું કે લાગણી તે આપણે આ વાર્તા થી જોઈએ.
બે મિત્રો એક બીજા માટે ખુબ લાગણી સાથે જ નોકરી પણ કરે. વર્ષોથી સાથે નોકરી કરે એટલે એકબીજા માટે ખુબ લાગણી અને ઓધખે પણ સારી રીતે. એમની લાગણી જોઈને સાથે કાર્ય કરતા ઘણા લોકો ને ઈર્ષા થાય. આવા ઈર્ષાળુ લોકો એ તેમના કાન એકબીજા માટે ભરમાવાના ચાલુ કર્યા. હવે એકે ગુજરાતી કેહવત છે કે જો કોઈ કાચાકાંન  નું હોય તો જૂઠું 100 વાર બોલો તો એને જ સાચું માની લે. આ મિત્રોમાં પણ એવું જ થયું એક મિત્ર ધીરે ધીરે બીજા સાથે બોલવાનું ઓંછું કરવા લાગ્યો. એના થી દૂર રહેવા લાગ્યો. આવા સંજોગો માં નોકરી માં બઢતી ની વાત આવી. જે મિત્ર ને શંકા હતી તેની બઢતી ના થતા બીજા મિત્રની બઢતી થઇ. આ વાતે આગમાં ઘી હોમવાનું કાર્ય કર્યું. આ મિત્ર નારાજ થઇ ને નોકરી છોડી ને શહેર  છોડી ને બીજે જતો રહ્યો. બંને એ આ વાતને પોતાના ઈગો પર લઇ લીધી. એક બીજા સાથે વાત ના કરે, ના સંબધ રાખ્યો. આ બધું હોવા છતાં બન્ને માંથી કોઈ ખુશ નહતું. બંને એક બીજા ને યાદ કરે, પોતે દુઃખી થાય. પરંતુ કોઈ ને બતાવે નહિ. આમ ને આમ 3 વર્ષ પસાર થઇ ગયા. વિઘ્નસંતોષી લોકો તો પોતાનું કામ પાર પાડીને પોતાને રસ્તે થઇ ગયા. પરંતુ આ બન્ને એકલા થઇ ગયા. એમના જીવનમાં  એક બીજા નું સ્થાન કોઈ બીજા ને આપી શક્ય નહિ. 
સમય હંમેશા સમયનું કાર્ય કરે જ છે. આ દરમિયાન ઘણા હિતેછુઓ અને કુટુંબીજનો એ આમને માનવાના પ્રયત્ન કરી જોયા. પરંતુ ઈગો માં  તેવો  કોઈની વાત માનવા કે સાંભળવા તૈયાર જ નહતા. પરંતુ ઈશ્વર હમેશા આપણને બદલવાના મોકા આપે છે. ઈશ્વર કહે છે કે "એક બીજા સાથે હળીમળીને રહો અને શાંતિથી જીવો, અભિમાની બનશો નહિ. બીજા લોકોને મન જે માણસો અગત્યના ન હોય, તેવાની મિત્રતા કરવા તૈયાર રહો. મિથ્યાભિમાની ન બનો. (રોમનોને પત્ર 12:16)". શહેર છોડી ને ગયેલા મિત્રની બદલી પછી આ શહેરમાં થઇ. આને એક દિવસ બંને અકસ્માતે એક બીજા ની સામે આવીને ઉભા. એક બીજા ની આંખો મળતા લાગણી ઈગો ને મૂકી ને બહાર આવી. એકે બીજા ને કીધું ચાલ ચા પીયે. બને એ ચા ની ચુસ્કી માં એક બીજા ને સવાલ કર્યો કે સાથે ચા પીધે કેટલો સમય થયો ? અને બન્ને ની આખમાં આસું આવી ગયા એ આસું સાથજ હતો 3 વર્ષ 2 મહિના ને 15 દિવસ હિસાબ . આ આંસુમાં ઈગો વહી ગયો. બન્ને આજે એક બીજા ના પેહલા કરતા પણ ગાઢ મિત્રો બની ગયા છે. વિઘ્નસંતોષીયો એ પાછો પ્રયાસ કરી જોયો પણ હવે માત્ર લાગણી છે, વિશ્વાસ છે અને અનુભવ છે. અનુભવ છે એક બીજા વગર
ની એકલતાનો, દુઃખ નો, અધૂરપ નો. જે તેમના ઈગો ને ઉભો થવા નથી દેતો.
આપણા બધા ના જીવન માં કેટલાક સંબંધો આવા હશે જે આપણા માટે કહું મોટી મુડી હશે. તેમાં કયાંક મતભેદ પણ હશે.આ મતભેદ ને ઈગો માં પડી ને મનભેદ બનવું કે મતભેદ રહેવા દેવું એ આપણા પર છે. હવે ઈગો મોટો કરવો કે લાગણી એ આપણા પર છે. બાઇબલમાં કીધું છે કે "અભિમાનનું પરિણામ નાશ છે, અને પતનની પહેલાં ગવિર્ષ્ઠ સ્વભાવ આવે છે. (નીતિવચનો 16:18)". વળી "અહંકાર આવે એટલે અપમાન આવ્યું જ જાણવું; પણ નમ્રતા જ્યાં હોય ત્યાં જ્ઞાન હોય છે. (નીતિવચનો 11:2)".ઈશ્વર તો હ્ર્દય નર્મ રાખવાનું કહે છે. પરંતુ આપણે ઈગો મોટો કરીયે છીએ. એઓંગ પોતાની સાથે એના મિત્રો એટલે, ગુસ્સો, નફરત અને એકલતા ને લાવે છે. પ્રેમ થી મોટી કોઈ દવા નથી. પરંતુ ઈગો આપણને એ દવા સુધી પોહ્ચવા જ નથી દેતું. આવો આપણા જીવન માં લાગણી ને સ્થાન આપીયે ઈગો ને નહિ. 
Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert

 Reference for Images
Google Images

Thursday, 28 March 2019

40 Lent Sessions

 ઘર 
ગઈ કાલે મને એક લ્હાવો મળ્યો, ટ્રેનમાં મુસાફરી કરવાનો. મારા જેવા લોકોને ટ્રેનમાં મુસાફરી કરવાનો એક લ્હાવો જ છે. કેમકે બહુ બધા લોકો આવતા જતા રહે. બહુ વાતો જાણવા જોવા મળે. મારી એક આદત છે. હું બહુ બોલું નહિ પણ ચોપડી માં વાંચતા વાંચતા આજુબાજુના લોકોને પણ વાંચું. ચુપચાપ એમનું નિરીક્ષણ કરું. એમની વાતો ધ્યાનથી સાંભળું. એમ કરતા મને તમારી સાથે વાત કરવા માટે વિષય પણ મળી જાય છે, અને કયારેક ઘણું જ્ઞાન પણ. કાલે મારી બાજુમાં એક આંટી બેઠા હતા. તેવો મોબાઇલ પર કોઈની સાથે વાત કરતા હતા. તેમની વાત મને ઘણી બધીરીતે તમારી સાથે વહેચવાનું મન થાય એવી છે.
આ આંટી ને એક દીકરો છે જે વિદેશમાં સેટ છે. તેમણે થોડા સમય પેહલા જ દીકરાના લગ્ન કરાવ્યા હતા. દીકરો લગ્ન કરી ને વિદેશ જતો રહ્યો છે. પરંતુ તેમની પુત્રવધુ અહીં જ છે. આ પુત્રવધુ સાસુ સસરા સાથે ન રહેતા કોઈ ને કોઈ કારણસર તેના માતા પિતાના ઘરે રહેવા નું પસંદ કરે છે. જો એ તેમની સાથે રહેવા આવે તો બીમાર હોવાનું જણાવી તેની રૂમમાંથી બહાર નથી આવતી. સસરા તો આખો   દિવસ કામ થી બહાર હોવાથી વધુ અસર નથી થતી. પરંતુ આ આંટી ફોન પર થાય છે. આંટી સામે વાળા ને પોતાની આપવીતી કહી રહ્યા હતા.  તેવો કાલે પણ પોતાની પુત્રવધૂને તેના માતાપિતાના ઘરે મૂકી ને પાંચ જઈ રહ્યા હતા, એ દુઃખી હતા.
આ વિષે પાળક સાહેબ આ રવિવારે પૂલપીટ પરથી પણ બોલ્યા હતા. તે એ કે આપણે હવે નાઉમી અને રૂથ ને ભૂલવા લાગ્યા છે.  આજની સાસુને રૂથ જેવી પુત્રવધુ જોયે છે પરંતુ નાઉમી નથી બનવું, અને પુત્રવધૂને નાઉમી જેવી સાસુ જોયે છે પણ રૂથ નથી બનવું. નાઉમી પોતાના પતિ અને પુત્રોના મરણ પછી પણ પોતાની પુત્રવધુઓ ને દીકરીની તરીકે જ રાખતી. રૂથ 1:8-9"રસ્તામાં તેણે પોતાની પુત્રવધૂઓને કહ્યું કે તેઓ તેમના વતન મોઆબ પાછા ફરે, તેણે તેમ કહ્યું; “મારી દીકરીઓ! તમે ઘરે પાછી જાઓ. તમે માંરી તથા માંરા મૃત પુત્રો પર ખૂબ દયા રાખી છે. યહોવા પણ તમાંરા પર એવી જ દયા રાખો. 9 હું પ્રાર્થના કરું છું કે યહોવા તમને વર મેળવવા અને તેની સાથે સુખી જીવન ગાળવા માંટે મદદ કરે.” પછી તેણીએ પુત્રવધુઓને ચુંબન કર્યું, અને તેઓ રડવા લાગી.". નાઉમી પોતાના પુત્રવધૂઓ ને મારી દીકરી તરીકે સંબોધે છે. તે તેમને એટલો પ્રેમ કરે છે કે તેની પુત્રવધુ પણ તેને છોડી ને જવા તૈયાર નથી થતી. રૂથ 1:16-17 "પરંતુ રૂથે જવાબ આપ્યો, “મારી મા! મને તમાંરાથી વિખૂટી પાડવાનો આગ્રહ કરશો નહિ. તમે જયાં જશો ત્યાં હું જઈશ. અને તમે રહેશો ત્યાંજ હું રહીશ. તમાંરા લોકો એ માંરા લોકો અને તમાંરા દેવ એ માંરા દેવ થશે.  17 તમે જયાં મરણ પામશો ત્યાં જ હું પણ મરીશ ને ત્યાં જ દટાઈશ. મૃત્યુ સિવાય બીજા કશાથી જો હું તમાંરાથી વિખૂટી પડું તો યહોવા મને એથી પણ વધારે દુ:ખ દે.”. રૂથ પણ પોતાની સાસુને મારી મા નું સંબોધન કરે છે.
આપણે આ બધું ભૂલી ચુક્યા છીએ. આપણને ટીવી સિરિયલની કપટી સાસુ અને વહુ આપણા ઘરો માં દેખાવા લાગી છે. આપણે હવે ચેતી જવાનો સમય છે. જેમ આમારા પાળક સાહેબે કીધું હતું તેમ "માતા પોતાના દીકરાની જેટલી કાળજી લેછે તેના 15% કાળજી પણ પોતાની પુત્રવધુ ની નથી લેતી, સામે પુત્રવધુ પોતાના માતાપિતાની જે કાળજી લેછે તેના 15% સાસુ સસરાની નથી લેતી.". સંબંધ સામસામે હોય. તાળી  કયારેય હવામાં એક હાથે ના પડે. આ સત્ય જેટલું જલ્દી આપણે સમજી શકીયે અને રૂથ અને નાઉમી બંને ને આપણા ઘરો માં જગ્યા આપી શકીયે તો  જ ઘર ઘર બનશે, નહીતો મકાન તો આખી પૃથ્વી  પર મળી જ રહે છે.

 Purvi Hope

Editor
Olivia Martins

Reference for Bible
Niyati Walter Gilbert